દિલમાં દીવો કરો – Lighten up your heart
દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
– ભક્તકવિ રણછોડ